રાજા આહાઝનો શાસનકાળ
28
આહાઝ જ્યારે રાજા બન્યો ત્યારે તેની ઉંમર 20 વર્ષની હતી; અને તેણે યરૂશાલેમમાં 16 વર્ષ રાજ્ય કર્યું. પોતાના પિતૃ દાઉદની જેમ યહોવા પ્રસન્ન થાય એવું આચરણ કરવાને બદલે તે ઇસ્રાએલના રાજાઓને પગલે ચાલ્યો અને તેણે બઆલદેવોની મૂર્તિઓ પણ ઢળાવી. તેણે બેનહિન્નોમની ખીણમાં ધૂપ બાળવા શરુ કર્યા. અને ઇસ્રાએલીઓના પ્રવેશ પહેલાં યહોવાએ જે પ્રજાઓને હાંકી કાઢી હતી, તેમના ઘૃણાજનક રિવાજોને અનુસરીને પોતાના પુત્રોને પણ બલી તરીકે અગ્નિમાં હોમી દીધા. તેણે પર્વતો પર આવેલાં ઉચ્ચસ્થાનકોમાં અને પર્વત ઉપરના પ્રત્યેક લીલા વૃક્ષ નીચે યજ્ઞો કરીને ધૂપ બાળ્યાં.
આથી યહોવા તેના દેવે તેને અરામીઓના રાજાના હાથમાં સોંપી દીધો; તેઓએ તેના લશ્કરને હરાવ્યું અને તેની પ્રજામાંથી ઘણા માણસોને બંદીવાન કરી દમસ્ક લઇ ગયા. યહોવાએ તેને ઇસ્રાએલના રાજા પેકાહ દ્વારા હરાવ્યો. પેકાહ રમાલ્યાનો પુત્ર હતો. ઇસ્રાએલનો રાજા પેકાહ જે રમાલ્યાનો પુત્ર હતો. તેણે એક જ દિવસમાં 1,20,000 શૂરવીર યોદ્ધાઓને કાપી નાખ્યા. કારણકે તેમણે તેમના પિતૃઓના દેવ યહોવાની અવજ્ઞા કરી હતી. એફ્રાઇમના શૂરવીર ઝિખ્રીએ રાજાના કુંવર માઅસેનાહને અને રાજમહેલના કારભારી હાઝ્ીકામને તેમજ રાજાના મુખ્યમંત્રી એલ્કાનાહને મારી નાખ્યા.
ઇસ્રાએલીઓના લશ્કરે પોતાના જાતભાઇઓમાંથી 2,00,000 સ્ત્રીઓ અને બાળકોને કેદ પકડ્યાં, ઉપરાંત, પુષ્કળ લૂંટનો માલ પણ કબ્જે કરી, તેઓ સમરૂન લઇ આવ્યા. ત્યાં ઓદેદ નામે યહોવાનો એક પ્રબોધક રહેતો હતો. તે સમરૂન પાછા ફરતાં ઇસ્રાએલી લશ્કરને મળવા ગયો અને તેણે કહ્યું, “યહોવા તમારા પિતૃઓના દેવ યહૂદાના લોકો ઉપર ક્રોધે ભરાયા હતા અને તેથી તેણે તેમને તમારા હાથમાં સોંપી દીધા, પણ તમે તેમને મારી નાખીને, દેવને તમારા ઉપર ગુસ્સે કર્યા છે. 10 અને હવે તમે યહૂદા અને યરૂશાલેમમાં સ્ત્રીપુરુષોને તમારાં ગુલામ બનાવવા માંગો છો. તમારા દેવ યહોવાની આગળ તમે લોકો ક્યાં ઓછા ગુનેગાર છો? 11 માટે હવે મારું કહેવું સાંભળો, આ તમારા સગાઓને તેઓનાં ઘરે પાછાં મોકલી આપો, કારણકે યહોવાનો ઉગ્ર કોપ તમારા ઉપર છે.”
12 ત્યારબાદ કેટલાક એફ્રાઇમી આગેવાનો યોહાનાનનો પુત્ર અઝાર્યા, મશિલ્લેમોથનો પુત્ર બેરેખ્યા, શાલ્લુમનો પુત્ર હિઝિક્યા અને હાદલાઇનો પુત્ર અમાસા યુદ્ધમાંથી પાછા ફરતા ઇસ્રાએલી માણસોની સામે ગયા. 13 અને તેમને કહ્યું, “તમે આ કેદીઓને અમારા દેશમાં લાવશો નહિ. તમે જે કરવા માંગો છો એથી અમે યહોવા આગળ ગુનેગાર ઠરીશું, અને અમારા પાપોમાં વધારો થશે. આમ પણ અમારા ગુના ઓછા નથી. અને યહોવાનો ભયંકર રોષ ઇસ્રાએલ ઉપર ઝઝૂમે છે.”
14 આથી લશ્કરના માણસોએ કેદીઓ અને લૂંટનો સામાન અમલદારોને અને ભેગા થયેલા લોકોને સોંપી દીધો. 15 પછી અગાઉ જણાવેલ ચાર આગેવાનોએ લૂંટમાંથી કપડાં લઇને બંદીવાનોમાંથી જે સ્ત્રીઓ અને બાળકોને જરૂર હતી, તેઓને તે પ્રમાણે વહેંચી આપ્યા, તેમજ પગરખાં, ખોરાક અને દ્રાક્ષારસ પણ આપ્યાં, વળી જેઓ બીમાર અને વૃદ્ધ હતા તેઓને ગધેડા ઉપર બેસાડીને ખજૂરીઓનાં નગર યરીખોમાં તેઓનાં કુટુંબ પાસે લઇ ગયા. પછી બંદીવાનો સાથે ગયેલી ટૂકડી સમરૂન પાછી ફરી.
16 એ વખતે રાજા આહાઝે આશ્શૂરના રાજાને પોતાની વહારે આવવા કહેવડાવ્યું. 17 કારણ, અદોમીઓ ફરી એકવાર યહૂદા ઉપર ચઢી આવ્યા અને ઘણા લોકોને બંદીવાન તરીકે પકડી ગયા. 18 પલિસ્તીઓએ પણ નીચાણના પ્રદેશોમાં તેમજ દક્ષિણનાં શહેરો ઉપર હુમલો કર્યો અને આજબાજુના ગામડાઓ સહિત બેથ-શેમેશ, આયાલોન, ગદેરોથ, સોખો તેમજ તિમ્નાહ અને ગિમ્ઝો કબજે કર્યા, અને તેમાં વસવાટ કર્યો. 19 આહાઝ યહૂદાના લોકોને પાપ કરવા માટે પ્રોત્સાહન આપતો હતો. અને તે યહોવાને વફાદાર રહ્યો નહોતો એટલે યહોવાએ યહૂદાના લોકોને નીચા પાડ્યા. 20 આશ્શૂરનો રાજા તિલ્ગાથ-પિલ્નેસેર આવ્યો ખરો પણ તેને મદદ કરવાને બદલે તેણે તેને ઘેરો ઘાલ્યો. 21 આહાઝે યહોવાના મંદિરને, રાજમહેલ અને પોતાના અમલદારોનાં ઘરોને લૂંટીને એ લૂંટનો માલ આશ્શૂરના રાજાને આપ્યો પણ કશું વળ્યું નહિ.
22 અતિ સંકટના આ સમયે રાજા આહાઝ વધુને વધુ પાપ કરતો ગયો. 23 દમસ્કના સૈન્યે તેને હાર આપી હતી, તેથી તેણે તેઓના દેવના બલિદાનો કર્યા, તેણે માન્યું કે “જો એ દેવોએ અરામના રાજાઓને સહાય કરી તો આ બલિદાનો ચઢાવવાને લીધે એ દેવો મારી પણ મદદ કરશે.” પણ તેમ કરવાથી ઊલટું તેનું અને યહૂદીયાના લોકોનું મોટું નુકશાન થયું.
24 આહાઝે યહોવાના મંદિરમાં વાસણો ભાંગી નાખ્યા, અને યહોવાના મંદિરના બારણાં બંધ કરી યરૂશાલેમમાં શેરીએ શેરીએ બીજા દેવોની વેદી ચણાવી, 25 અને યહૂદાના એકે એક ગામમાં તેમને ધૂપ ચઢાવવા ટેકરી પરનાં સ્થાનકો ઊભાં કર્યા; અને એમ કરીને પોતાના પિતૃઓના દેવ યહોવાનો રોષ વહોરી લીધો.
26 તેના રાજ્યના બીજા બનાવો અને તેના જીવનની વિગતો યહૂદા અને ઇસ્રાએલના રાજાઓનાં વૃત્તાંતમાં નોંધેલી છે. 27 પછી આહાઝ પિતૃલોકને પામ્યો અને તેને યરૂશાલેમમાં દફનાવવામાં આવ્યો, પરંતુ તેને રાજાઓના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો નહિ, તેના પછી તેનો પુત્ર હિઝિક્યા ગાદી પર આવ્યો.