મોહપાશ 
7
1 મારા દીકરા, મારા વચનો પાળજે. અને મારી આજ્ઞા યાદ રાખજે. 
2 તારે જીવવું હોય તો મારી આજ્ઞાઓનું પાલન કરજે, અને મારા ઉપદેશને તારી આંખની કીકીની જેમ જાળવજે, 
3 એને તારી આંગળીએ બાંધજે, એને તારા હૃદય પર લખજે. 
4 જ્ઞાનને કહે કે તું મારી બહેન છે, અને બુદ્ધિને “તું મારું કુટુંબ છે.” 
5 જેથી એ બંને તને વ્યભિચારી સ્ત્રીથી બચાવશે. પોતાના શબ્દો વડે ઉંપરાણું કરનાર પરસ્ત્રીથી તારું રક્ષણ કરશે. 
6 કારણ કે એક વખત મેં મારા ઘરની બારી નજીક ઊભા રહીને જાળીમાંથી સામે નજર નાખી; 
7 અને ત્યાં મેં ઘણાં અણઘડ યુવાનોને જોયા. તેમાં એક અક્કલહીન યુવાન મારી નજરે પડ્યો. 
8 એક સ્ત્રીના ઘરના ખૂણા પાસેથી તે બજારમાંથી પસાર થતો હતો, તે સીધો તેણીના ઘર તરફ જતો હતો. 
9 દિવસ આથમ્યો હતો, સાંજ પડવા આવી હતી અને રાતનું અંધારું ફેલાતું હતું. 
10 અચાનક એ સ્ત્રી તેને મળવા બહાર આવી, તેણે વારાંગના જેવા વસ્ત્રો પહેર્યા હતાં અને એના મનમાં કપટ હતું. 
11 તે ધ્યાનાકર્ષક અને બળવાખોર સ્ત્રી હતી. તેના પગ પોતાના ઘરમાં કદી ટકતા ન હતા; 
12 કોઇવાર ગલીઓમાં, ક્યારેક બજારની જગ્યામાં, તો કોઇવાર ચોકમાં શેરીના-ખૂણે લાગ તાકીને ઊભી રહેતી હતી. 
13 તે સ્ત્રીએ તેને પકડ્યો અને ચુંબન કર્યુ અને નિર્લજ્જ મોઢે તેને કહ્યું કે, 
14 “આજે રાત્રે મારે મારા શાંત્યાર્પણો ખાવા પડશે, આજે મેં પ્રતિજ્ઞા લીધી છે; આજે મેં મારા વચનો પૂર્ણ કર્યા છે. 
15 તેથી હું તને મળવા બહાર આવી છું. હું ક્યારની તને શોધતી હતી, આખરે તું મળ્યો ખરો. 
16 મેં મારા પલંગ ઉપર સુંદર ચાદરો પાથરી છે આ ચાદરો મિસરથી આવી છે! 
17 મેં મારી શૈયાને બોળ, અગર, અને તજથી સુગંધીદાર બનાવી છે. 
18 ચાલ, આપણે પરોઢ થતાં સુધી પેટપૂર પ્રીતિ, આખી રાત મોજમાં મગ્ન થઇ પ્રેમની મજા માણીએ. 
19 મારો ધણી ઘેર નથી તે લાંબી મુસાફરીએ ગયો છે. 
20 તે પોતાની સાથે રૂપિયાની થેલી લઇ ગયો છે. અને છેક પૂનમ લગી તે પાછો આવનાર નથી.” 
21 તે તેને ઘણા મીઠા શબ્દોથી સમજાવે છે અને સુંવાળી વાતોથી વહાલથી તે તેને ખેંચી જાય છે. 
22 અચાનક તે જેમ બળદ કસાઇવાડે જાય, અને જેમ ગુનેગારને સજા માટે સાંકળે બાંધીને લઇ જવાય તેમ જલ્દીથી તેની પાછળ જાય છે. 
23 આખરે તેનું કાળજુ તીરથી વીંધાય છે; જેમ કોઇ પક્ષી પોતાનો જીવ જશે એમ જાણ્યા વગર જાળમાં ધસી જાય છે, તેમ તે જાય છે. 
24 માટે, હે પુત્રો, સાંભળો, અને મારા મુખના શબ્દો પર લક્ષ આપો. 
25 તારું હૃદય તેણીના રસ્તે વળે નહિ. તેના રસ્તાઓમાં રખડતો નહિ. 
26 કારણ, તેણે ઘણાને ઘાયલ કર્યા છે, તેમને મારી નાખ્યાં છે અને અસંખ્ય માણસોના પ્રાણ લીધા છે. 
27 તેનું ઘર મૃત્યુ લોકના માગેર્ છે કે, જે મૃત્યુનાં ઓરડામાં પહોંચાડે છે.