યમિર્યાની યહોવાને ફરિયાદ 
12
1 હે યહોવા, હું તમારે વિષે ફરિયાદ કરું છું 
ત્યારે સત્ય તમારે પક્ષે હોય છે. 
તેમ છતાં ન્યાયના એક મુદ્દા વિષે મારે તને પૂછવું છે, 
દુષ્ટ માણસો કેમ સુખસમૃદ્ધિ પામે છે? 
બદમાશો કેમ નિરાંતે જીવે છે? 
2 તમે તેઓને રોપો છો, તેઓનાં મૂળ ઊંડા જાય છે. 
અને તેઓનો વેપાર વધતો જાય છે, 
તેઓ ઘણો નફો કરે છે. 
અને ધનવાન થાય છે. 
તેઓ કહે છે, “દેવની કૃપાથી!” સાચા હૃદયથી તેઓ તમારો આભાર માનતા નથી. 
3 હે યહોવા, તમે મને જાણો છો, 
તમારા પ્રત્યેની મારી ભકિત તમે ક્યાંય જોઇ છે? 
તેઓને ઘેટાંની જેમ કતલખાને ખેંચીને લઇ જા, 
અને કતલના દિવસ સુધી તેઓને રાખી મૂક. 
4 અને હે યહોવા, ક્યાં સુધી ભૂમિ શોક કરશે? 
તેઓનાં દુષ્ટ કાર્યોને કારણે ક્યાં સુધી ખેતરમાંનું લીલું ઘાસ 
પણ સૂકાતું રહેશે અને આક્રંદ કરતું રહેશે! 
વનચર પશુ-પક્ષીઓ પણ ચાલ્યા ગયા છે. 
દેશ ઉજ્જડ થઇ ગયો છે તેમ છતાં લોકો કહે છે, 
“આપણે શું કરીએ છે તે દેવ જોઇ શકતો નથી!” 
દેવનો યમિર્યાને જવાબ 
5 યહોવાએ કહ્યું, “જો માણસો સાથે દોડતાં 
તું થાકી જાય તો પછી ઘોડાઓ સાથે શી રીતે હોડમાં ઊતરશે? 
જો તું સલામત પ્રદેશમાં નિશ્ચિંત નથી તો, 
યર્દનના કાંઠે આવેલાં જંગલમાં તારું શું થશે? 
6 અને આના કારણે તારા પોતાનાં ભાઇઓ 
અને તારા પોતાના કુટુંબે પણ તને દગો દીધો છે. 
તેઓ તને મારી નાખવા માટે તારી પીઠ પાછળ મોટી બૂમો પાડે છે. 
તેઓ ગમે તેટલા મીઠા શબ્દોથી તારી સાથે વાત કરે, 
છતાં પણ તેઓનો વિશ્વાસ કરીશ નહિ.” 
યહોવાએ પોતાના લોકોનો અને યહૂદાનો ત્યાગ કર્યો 
7 પછી યહોવાએ કહ્યું, “મારા લોકોનો, 
મારા વારસાનો મેં ત્યાગ કર્યો છે; 
મારી અતિપ્રિય પ્રજાને 
મેં શત્રુઓને સ્વાધીન કરી છે. 
8 મારા લોકો જંગલમાંના સિંહની જેમ મારી સામે થયા છે. 
અને મારી સામે ભયંકર ગર્જનાઓ કરે છે, તેથી હું તેમનો તિરસ્કાર કરું છું. 
9 મારા પોતાના લોકો 
કાબરચીતરાં બાજ જેવા છે; 
બીજા બધાએ ચારેબાજુએથી તેમના પર હલ્લો કર્યો છે. 
ચાલો, જંગલનાં સર્વ પશુઓ એકઠા થાઓ 
અને મિજબાનીમાં જોડાઇ જાઓ. 
10 ઘણા ઘેટા પાળકો મારી દ્રાક્ષનીવાડીનો નાશ કર્યો છે અને મારું ખેતર પગ તળે ખૂંદી નાખ્યું છે. 
તેમણે મારા રળિયામણા ખેતરને વેરાન વગડો બનાવી દીધું છે. 
અને મારી નજર આગળ તેને ખેદાનમેદાન કરી નાખ્યું છે. 
11 તેઓએ આખી ભૂમિને 
વેરાન કરી નાખી છે, 
કારણકે ત્યાં રહેતી કોઇ 
પણ વ્યકિત તેની કાળજી લેતી નથી. 
12 વગડાના ઉજ્જડ ટેકરાઓ પર થઇને ધાડપાડુઓના ધાડાં ધસી આવ્યા છે. 
કારણ કે મારી તરવાર બધું ભરખી રહી છે. 
દેશનાં આ છેડાથી પેલા છેડા સુધી 
બધાના જીવને અશાંતિ છે. 
13 મારા લોકોએ ઘઉં વાવ્યા છે 
અને કાંટા લણ્યા છે. 
મહેનત તો ઘણી કરી છે, 
પણ કશું પ્રાપ્ત થયું નથી. 
મારા ઉગ્ર રોષને લીધે 
તેઓની ફસલ નકામી ગઇ છે.” 
ઇસ્રાએલના પડોશીયોને યહોવાના વચન 
14 યહોવા કહે છે, “જે વારસો મેં મારી પ્રજાને, એટલે કે ઇસ્રાએલને આપ્યો છે, તેને જ મારા દુષ્ટ પડોશીઓ આંચકી લેવા માંગે છે,” તેથી યહોવા તેઓ વિષે કહે છે, “જુઓ, હું તેઓની ભુમિમાંથી તેઓને ઉખેડી નાખીશ, અને હું તેમના હાથમાંથી યહૂદિયાને ખૂંચવી લઇશ. 
15 પરંતુ ત્યારબાદ હું પાછો આવીશ અને તમારા બધા પર દયા દર્શાવીશ તથા તમને તમારા પોતાના દેશમાં તમારા ઘરોમાં પાછા લાવીશ. દરેક માણસને તેના પોતાના વારસામાં પાછો લાવીશ. 
16 જેવી રીતે તેમણે મારી પ્રજાને બઆલના સોગંદ ખાતા શીખવ્યા હતાં. અને જો તેઓ મારા પોતાના નામે સોગંદ ખાતા શીખશે, એમ કહીને, ‘જેવી રીતે યહોવા જીવે છે;’ એજ પ્રમાણે તો પછી, તેઓ ખરેખર મારા પોતાના લોકો વચ્ચે ફરીથી સ્થપાશે. 
17 પરંતુ જે કોઇ પ્રજા મને આધીન થવાનો ઇન્કાર કરશે, તો હું તેને જડમૂળથી ઉખેડી નાખીશ અને તેનો નાશ કરીશ.” આ યહોવાના વચન છે.