દેવના લોકો માટે ભાવિ મહિમા 
60
1 “હે યરૂશાલેમ, પ્રકાશી ઊઠ! તારા પર 
યહોવાનો મહિમા ઉદય પામ્યો છે 
ને તે ઝળહળી રહ્યો છે. 
2 જુઓ, પૃથ્વી પર હજી અંધકાર છવાયેલો છે 
અને લોકો હજી ઘોર તિમિરમાં છે, 
પણ તારા પર યહોવા ઉદય પામે છે 
અને તેનો મહિમા તારા પર પ્રગટે છે. 
3 પ્રજાઓ તમારા પ્રકાશ તરફ આવશે; 
તેમના પરાક્રમી રાજાઓ પણ તમારા ચળકતા ઉજાસને નિહાળવા આવશે. 
4 તું જરા ઊંચી નજર કરીને ચારે તરફ જો; 
બધા ભેગા થઇને તારા તરફ આવે છે. 
દૂર દૂરથી તારા પુત્રો આવશે 
અને તારી પુત્રીઓને તેમની આયાઓ તેડીને લાવશે, 
5 “એ જોઇને તમારી આંખો ખુશીથી ચળકશે 
અને તમારાં હૃદયો પ્રફુલ્લિત થશે, 
સમુદ્રની સંપત્તિ તમારી પાસે આવશે, 
દૂર દેશાવરોની સમૃદ્ધિ તમને અપાશે. 
6 ઊંટોના ટોળાથી તમારો દેશ છવાઇ જશે. 
તેઓ મિદ્યાન અને એફાહમાંના પ્રદેશમાંથી આવશે, 
શેબાથી પણ બધાં આવશે; 
સોનું અને લોબાન લઇને આવશે, 
યહોવાનાં સ્તોત્ર ગાતાં ગાતાં આવશે. 
7 કેદારના અને નબાયોથનાં બધાં ઘેટાંબકરાં 
તારા વિધિવત યજ્ઞ માટે લાવવામાં આવશે 
અને યહોવાની યજ્ઞ વેદી પર 
તેને પ્રસન્ન કરવા બલિ તરીકે હોમાશે 
અને તે એના મહિમાવંતા 
મંદિરનો મહિમા વધારશે. 
8 વાદળની જેમ 
અને પોતાના માળા તરફ જતાં કબૂતરોની 
જેમ ઊડતાં આ શું જાય છે? 
9 હા, એ તો દૂર દેશાવરના વહાણ ભેગાં થઇને આવે છે 
અને તાશીર્શના વહાણો એમાં આગળ છે. 
તેઓ તમારા દેવ યહોવાને નામે, 
તને મહિમાવંત બનાવનાર ઇસ્રાએલના પરમપવિત્ર દેવને નામે, 
તારા સંતાનોને સોનાચાંદી સાથે 
દૂર દૂરથી પાછાં આવે છે.” 
10 યહોવા યરૂશાલેમને કહે છે, 
“વિદેશીઓ આવશે અને તારા નગરોના કોટને ફરી બાંધશે. 
અને તેમના રાજાઓ તારા ગુલામ બનશે. 
કારણ ક્રોધ ચઢતાં મેં તને પ્રહાર કર્યો હતો. 
પણ હવે હું મારી કૃપામાં 
તારા પર દયા કરીશ. 
11 તારા દરવાજા સદાય ખુલ્લા રહેશે, 
રાતે કે દિવસે કદી બંધ થશે નહિ, 
જેથી તેમાં થઇને વિદેશી રાજાઓ પોતાની સમૃદ્ધિ લઇને આવે. 
12 પરંતુ જે પ્રજા કે રાજ્ય તારી તાબેદારી સ્વીકારવાની ના પાડશે તેનો નાશ થશે, 
તે ખેદાનમેદાન થઇ જશે. 
13 લબાનોનનાં ગૌરવરૂપ ચિનાર, 
સરળ અને સરુનું કિમતી લાકડું મારા પવિત્રસ્થાનની શોભા વધારવા, 
મારી પાદપીઠનો મહિમા કરવા 
તારી પાસે લાવવામાં આવશે. 
14 જેઓએ તારા પર ત્રાસ કર્યો તેઓના પુત્રો તારી પાસે નમતા આવશે; 
અને જેઓએ તને તુચ્છ માન્યું તેઓ સર્વ 
તારા પગનાં તળિયાં સુધી નમશે; 
અને તેઓ તને ‘યહોવાનું નગર’, 
‘ઇસ્રાએલના પવિત્ર દેવનો મહિમાવંત 
પર્વત એવા નામથી તેઓ સંબોધશે.’ 
15 “તું એક નગરી હતી જે ત્યકતા અને તિરસ્કૃત હતી, 
કોઇ તારામાંથી પસાર થતું નહોતું; 
પણ હું તને કાયમ માટે માનવંતી 
અને આનંદના ધામરૂપ બનાવીશ. 
16 વિદેશી ભૂમિઓ અને તેના રાજામહારાજાઓ 
તારું પોતાની માતાની જેમ પાલન કરશે, 
ત્યારે તને ખબર પડશે કે હું, 
યહોવા તારો તારક છું, 
હું યાકૂબનો મહાબળવાન દેવ, તારો રક્ષક છું. 
17 “હું તમને કાંસાને બદલે સોનું 
અને લોખંડને બદલે ચાંદી 
તેમજ લાકડાને બદલે કાંસુ 
અને પથ્થરને બદલે લોઢું આપીશ. 
તારા પ્રશાસક શાંતિ 
અને ન્યાયપૂર્વક શાસન ચલાવે એમ હું કરીશ, 
18 તારી ભૂમિમાં હિંસાનું, વિનાશનું 
કે પાયમાલીનું નામ સાંભળવા નહિ મળે. 
તમારી ભીતો ‘તારણ’ કહેવાશે 
અને તમારા દરવાજાઓ ‘સ્તુતિ’ કહેવાશે. 
19 “હવે પછી તને દિવસ દરમ્યાન પ્રકાશ માટે સૂર્યની કે રાત્રે પ્રકાશ માટે ચંદ્રની જરૂર નહિ રહે, 
કારણ, હું તારો દેવ યહોવા, 
તારો શાશ્વત પ્રકાશ બની રહીશ, 
અને તારો દેવ તારો મહિમા હશે. 
20 તારો સૂર્ય હવે કદી આથમશે નહિ 
કે તારો ચંદ્ર છુપાશે નહિ, 
કારણ, હું યહોવા તારો શાશ્વત પ્રકાશ બની રહીશ 
અને તારા દુ:ખના દિવસોનો અંત આવશે. 
21 “વળી તમારા સર્વ લોકો ધામિર્ક થશે. 
તેઓ સદાકાળ પોતાના દેશનું વતન પામશે, 
કારણ કે હું મારા પોતાના હાથે 
તેઓને ત્યાં સ્થાપીશ; 
અને એમ મારો મહિમા થશે. 
22 છેક નાનું કુટુંબ પણ સંખ્યામાં વૃદ્ધિ પામીને કુળસમૂહ બનશે. 
ને જે નાનકડું ટોળું છે 
તે વૃદ્ધિ પામીને પરાક્રમી પ્રજા બનશે. 
હું યહોવા, સમયની સંપૂર્ણતાએ 
તે સર્વ પૂર્ણ કરીશ.”