ખ્રિસ્તનું બલિદાન આપણને સંપૂર્ણ બનાવે છે 
10
1 નિયમશાસ્ત્ર ભવિષ્યમાં આવનારા શુભ કાર્યોની પ્રતિછાયારૂપ છે અને તે વસ્તુઓની ખરી પ્રતિમાઓ તેમાં નથી. દર વર્ષે એના એ જ બલિદાનો સતત અર્પણ કરવામાં આવતાં હતાં, છતાં નિયમશાસ્ત્ર પ્રમાણે કોઈ વ્યક્તિ પરિપૂર્ણ થઈ શકી નથી. 
2 જો જૂના નિયમે લોકોને પરિપૂર્ણ બનાવ્યો હોત તો પછી તેઓએ બલિદાન આપવાનું બંધ કર્યુ હોત. તેઓ સદાને માટે શુદ્ધ થઈ ગયા હોત અને તેઓએ તેમના પાપો માટે દોષિત થવું પડ્યું ના હોત. પરંતુ નિયમશાસ્ત્ર તે કરી શક્યું નહિ. 
3 પરંતુ એ વાર્ષિક બલિદાનો તો તેમના મનમાં દર વર્ષે પાપોની યાદ તાજી કરાવે છે. 
4 કારણ કે ગોધાઓનું તથા બકરાઓનું લોહી પાપ દૂર કરવા સમર્થ નથી. 
5 આથી જ્યારે ખ્રિસ્ત આ દુનિયામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું: 
“હે દેવ પશુઓનુ રક્ત તને પ્રસન્ન કરી શકે તેમ નથી. 
પણ તેં મારા માટે શરીર બનાવ્યું છે. 
6 પાપોની માફીને અર્થ અપાતું દહનાર્પણ તથા પાપાર્થાર્પણથી 
તું કઈ પ્રસન્ન થતો નહોતો. 
7 તેથી તેમણે કહ્યું, ‘હે દેવ, 
હું અહીં શાસ્ત્રમાં મારા સંબધી લખ્યા પ્રમાણે 
તારી ઇચ્છા પૂર્ણ કરવા હું અહીં છું.’” ગીતશાસ્ત્ર 40:6-8 
8 પ્રથમ ખ્રિસ્તે કહ્યું છે, “શાસ્ત્રમાં અપાતાં પાપમુક્તિ માટેનાં અર્પણો તથા દહનાર્પણોથી અપાતાં બલિદાનો દ્ધારા તું પ્રસન્ન થઈ શકે તેમ નથી,” (આ બધા બલિદાનોની આજ્ઞા નિયમ કરે છે.) 
9 પછી તેણે કહ્યું, “હે દેવ! હું આ રહ્યો, તારી ઇચ્છા પૂર્ણ કરવા હું આવ્યો છું.” આ પ્રમાણે તેણે જૂની વ્યવસ્થા રદ કરી અને નવી વ્યવસ્થા સ્થાપી. 
10 દેવીની ઈચ્છા મુજબ ઈસુ ખ્રિસ્તનાં કાર્યો પ્રમાણે એક જ વાર ખ્રિસ્તનું શરીર અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે. 
11 તેમ જ દરેક યાજક નિત્ય સેવા કરતાં તથા એ ને એ જ બલિદાનો ઘણીવાર અર્પણ કરતા. પરંતુ તે બલિદાનોથી પાપોને કદી દૂર કરી શક્યા નહિ. 
12 પણ આપણાં પાપોને માટે ખ્રિસ્તે એક જ વાર બલિદાન આપ્યું અને ખ્રિસ્ત દેવની જમણી બાજુએ બિરાજ્યો. 
13 અને તેના દુશમનોને તેની સત્તા નીચે મૂકવામાં આવે તેથી ખ્રિસ્ત હવે ત્યાં રાહ જોઈ રહ્યો છે. 
14 જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓને ખ્રિસ્તે પોતાના એક જ બલિદાનથી બધા જ સમય માટે પરિપૂર્ણ કર્યા. 
15 આ વિષે પવિત્ર આત્મા પણ સાક્ષી આપે છે. તે પહેલા કહે છે: 
16 “આ કરાર છે જે ભવિષ્યમાં હું મારા લોકો સાથે કરીશ એમ પ્રભુ કહે છે. 
હું મારા નિયમો તેઓના હ્રદય પર લખીશ. 
હું મારા નિયમો તેઓના મનમાં સ્થાપીશ.” યર્મિયા 31:33 
17 પછી તે કહે છે: 
“તેઓના પાપકર્મો અને દુષ્કર્મોને હું માફ કરીશ અને ભવિષ્યમાં તે હું કદી યાદ કરીશ નહિ.” યર્મિયા 31:34 
18 અને હવે સદાને માટે પાપ માફ થયાં છે ત્યારે પાપ મુક્તિ માટે અન્ય કોઈ અર્પણની જરુંર રહેતી નથી. 
દેવની નજીક આવો 
19 ભાઈઓ, તેણે આપણા માટે પડદામાં થઈને, એટલે પોતાના શરીરમાં થઈને, એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે, આપણે કોઈ પણ જાતના ભય વિના દાખલ થઈ શકીશું. 
20 ઈસુએ જે નવો માર્ગ બતાવ્યો તે દ્ધારા આપણે અંદર જઇ શકીશું. 
21 દેવના ઘરમાં રાજ કરવા માટે આપણી પાસે એક મોટો યાજક નિમાયેલો છે. 
22 આપણને શુદ્ધ કરવામાં આવ્યા છે. અને આપણું અંત:કરણ દોષિત લાગણીઓથી મુક્ત છે. આપણા શરીરનું શુદ્ધ પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું છે તેથી શુદ્ધ હ્રદયથી અને ખાતરી જે વિશ્વાસ દ્ધારા પ્રાપ્ત થયેલ છે માટે આપણે દેવની નજીક આવી શકીએ છીએ. 
23 જે આશાઓમાં આપણે સંમત છીએ તેને આપણે મક્કમતાથી વળગી રહીએ, કારણ કે જેણે આપણને વચન આપ્યું છે તેનો સંપૂર્ણ ભરોસો આપણે કરી શકીએ છીએ. 
એકબીજાને મદદરુંપ બનો 
24 આપણે અકબીજાનો વિચાર કરવો જોઈએ અને સારા કામ કરી અને પ્રેમ દર્શાવી એકબીજાને એ પ્રમાણે કરવા માટે ઉત્તેજન આપીએ. 
25 જેમ કેટલાક લોકો કરે છે તેમ આપણે સમૂહમાં મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે સમૂહમાં મળીએ અને એકબીજાને બળ આપીએ, આ પ્રમાણે આપણે કરવાનું વધુ અને વધુ પ્રયત્ન કરીએ કારણ દહાડો નજીકને નજીક આવી રહ્યો છે. 
ખ્રિસ્ત તરફથી મોં ના ફેરવો 
26 સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે પાપમાં જીવવાનું ચાલું રાખીએ, તો પાપના નિવારણ માટે બીજુ બલિદાન છે જ નહિ. 
27 જો આપણે પાપ કરવાનું ચાલુ જ રાખીશું તો ન્યાયની ભયંકર અપેક્ષા અને દેવના વિરોધિઓને ભસ્મ કરી નાખે એવા અગ્નિના તેઓ ભોગ બનશે. 
28 જો કોઈ મૂસાના નિયમશાસ્ત્રનો ભંગ કરે અને તે બે કે ત્રણ સાક્ષીઓ દ્ધારા પૂરવાર થાય તો તેને માફી નહિ આપતા કોઈ પણ દયા વગર મોતની સજા થતી હતી. 
29 તો પછી દેવપુત્રને પગ તળે કચડી નાખનાર, કરારના જે રક્તથી પવિત્ર થયો હતો તેને અશુદ્ધ ગણનાર કૃપાનું ભાન કરાવનાર પવિત્ર આત્માનું અપમાન કરનાર વ્યક્તિ કેટલી ભયંકર સજાને પાત્ર ઠરશે તેનો વિચાર કરો. 
30 આપણે જાણીએ છીએ કે દેવે કહ્યું છે, “દુષ્ટ કૃત્યો કરનારને હું શિક્ષા કરીશ, હું તેને ભરપાઇ કરીશ.” દેવે એ પણ કહ્યું છે કે, “પ્રભુ તેના લોકોનો ન્યાય કરશે.” 
31 કોઈના પણ માટે જીવતા દેવના હાથમાં પડવું તે કેટલું ભયંકર છે! 
તમારા આનંદ અને હિંમત ગુમાવશો નહિ 
32 યાદ રાખો. ભૂતકાળના તે દિવસોમાં જ્યારે તમે સત્યનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ ત્યારે તમે ઘણી યાતનાઓ સહન કરી સંઘર્ષ કર્યો, પરંતુ તમે બળવાન બનવાનું ચાલુ રાખ્યું. 
33 ઘણીવાર તમે ઠપકો અને સતાવણી થઈ તે સહન કરી. વળી કેટલીક વાર બીજાંઓને એવાં દુ:ખોમાંથી પસાર થતા જોઈને તમે તેઓની પડખે ઊભા રહ્યા. 
34 હા, જ્યારે કેટલાક લોકો કરાવાસમાં હતા, ત્યારે તેવા લોકોને તમે મદદ કરી તેમના દુ:ખના ભાગીદાર બન્યા. તમારું સર્વસ્વ પડાવી લેવામાં આવ્યું ત્યારે પણ તમે આનંદિત રહ્યા કારણ કે તમે જાણતા હતા કે તમારી પાસે એના કરતાં વધુ સારી અને સદા ને માટે ટકી રહે તેવી સંપત્તિ છે. 
35 માટે ભૂતકાળમાં હતી તે હિંમત ગુમાવશો નહિ કારણ કે તમને એનો મહાન બદલો મળવાનો છે. 
36 તમારે ધીરજ રાખવાની જરુંર છે. દેવની ઈચ્છા પૂરી કરવાનું કાર્ય ચાલુ રાખો. અને તેથી જ તમને જે વચનો આપ્યા છે તે પ્રાપ્ત કરશો. 
37 થોડા સમયમાં, 
“પ્રભુ જે ફરીથી આવનાર છે તે વિલંબ કરશે નહિ. 
38 ન્યાયી માણસ મારામાં વિશ્વાસ રાખીને જીવશે. 
જો તે ભયનો માર્યો પાછો હટી જશે તો પછી તેનામાં મને આનંદ થશે નહિ.”હબાક્કુક 2:3-4 
39 પણ આપણે એ પ્રકારના માણસો નથી, જે પીછે હઠ કરે અને ખોવાઇ જાય. ના. આપણે એવા લોકો છીએ કે દેવમાં આપણને દઢ વિશ્વાસ છે અને તેનામાં આપણે ઉદ્ધાર પામેલાં છીએ.