સાતમો દિવસ-વિશ્રામ 
2
1 આ રીતે પૃથ્વી, આકાશ અને તેમાંની બધી જ વસ્તુઓનું સર્જન પૂરું થયું. 
2 દેવ પોતે જે કામ કરતા હતા તે તેમણે પૂરું કર્યું. તેથી સાતમાં દિવસે દેવે પોતાનું કામ બંધ રાખ્યું. 
3 દેવે સાતમાં દિવસને આશીર્વાદ આપ્યો અને તેને પવિત્ર બનાવ્યો. કેમ કે, તે દિવસે દેવ સંસારનું સર્જન કરતી વખતે જે કામ કરી રહ્યા હતા તે બધાં જ કાર્યો બંધ કર્યા. 
માંનવ જાતિનો આરંભ 
4 આ છે આકાશ અને પૃથ્વીનાં સર્જનનો ઈતિહાસ. જયારે દેવે પૃથ્વી અને આકાશ બનાવ્યાં. 
5 તે વખતે પૃથ્વી પર કોઇ વૃક્ષ કે, છોડ ન હતા. અને ખેતરોમાં કાંઈ જ ઊગતું ન હતું કારણ કે યહોવા દેવે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો ન હતો. અને વૃક્ષો અને છોડવાંઓની સંભાળ રાખનાર કોઈ મનુષ્ય પણ ન હતો. 
6 પરંતુ પૃથ્વી પરથી ધૂમસ ઊચે ચઢતું હતું અને પૃથ્વીની બધી જ જમીનને તેણે ભીંજવી હતી. 
7 ત્યારે યહોવા દેવે ભૂમિ પરથી માંટી લીધી અને મનુષ્યનું સર્જન કર્યું. અને તેના નસકોરામાં પ્રાણ ફૂંકયો તેથી મનુષ્યમાં જીવ આવ્યો. 
8 પછી યહોવા દેવે પૂર્વ દિશામાં એદનમાં એક બાગ બનાવ્યો અને તેમણે જે મનુષ્યનું સર્જન કર્યુ હતું તેને તે બાગમાં મૂકયો. 
9 યહોવા દેવે આ બાગમાં દરેક જાતનાં વૃક્ષો ઉગાડયાં, જે દેખાવમાં સુંદર હોય અને જેનાં ફળ ખાવામાં સારાં હોય. બાગમાં વચ્ચે જીવનનું વૃક્ષ અને સારાભૂંડાની સમજનું વૃક્ષ પણ ઉગાડયું. 
10 એદનમાં થઈને એક નદી વહેતી હતી અને તે બાગને પાણી સીંચતી હતી. આ નદી આગળ જતાં ચાર નાની નદીઓ થઈ ગઈ. 
11 પહેલી નદીનું નામ પીશોન છે તે હવીલાહના આખા પ્રદેશની ફરતે વહે છે. 
12 (આ પ્રદેશમાં સોનું છે અને તે સોનું સારું છે. ત્યાં બદોલાખ અને અકીક પાષાણ પણ મળે છે.) 
13 બીજી નદીનું નામ ગીહોન છે; તે કૂશના આખા પ્રદેશની ફરતી વહે છે. 
14 ત્રીજી નદીનું નામ હીદેકેલ છે, જે આશ્શૂરની પૂર્વમાં વહે છે, અને ચોથી નદી તે ફ્રાત છે. 
15 યહોવા દેવે તે માંણસને એદનના બગીચાને ખેડવા તથા તેનું રક્ષણ કરવા ત્યાં મૂકયો. તેનું કામ બાગમાં વૃક્ષો અને છોડવાં ઉગાડવાનું હતું. 
16 યહોવા દેવે મનુષ્યને આજ્ઞા કરી કે, “તારે બાગમાંનાં કોઈ પણ વૃક્ષનાં ફળો ખાવાં. 
17 પરંતુ તમે સારાનરસાની સમજ આપનારાં વૃક્ષનાં ફળ તારે ખાવાં નહિ, જો તું એ વૃક્ષનાં ફળ ખાઈશ તો તારું મૃત્યુ અવશ્ય તે જ દિવસે થશે.” 
પહેલી સ્ત્રી 
18 ત્યારે યહોવા દેવે કહ્યું, “હું સમજું છું કે, માંણસનું એકલા રહેવું તે સારું નથી, હું તેને માંટે એક યોગ્ય મદદ કરનાર બનાવીશ.” 
19 તેથી યહોવા દેવે ભૂમિની માંટીમાંથી બધી જાતનાં જંગલી પ્રાણીઓ અને બધી જાતનાં આકાશનાં પક્ષીઓ બનાવ્યાં. યહોવા દેવે બધાં જ પ્રાણીઓને મનુષ્યની સામે લાવ્યાં અને તે એ મનુષ્ય તે બધાંનાં નામ પાડયાં. 
20 મનુષ્ય પાળી શકે તેવાં પ્રાણીઓ, આકાશનાં બધાં જ પક્ષીઓ અને જંગલનાં બધાં જ પ્રાણીઓનાં નામ પાડયાં; મનુષ્યઓ અનેક પ્રાણી અને પક્ષી જોયાં પરંતુ મનુષ્ય પોતાને યોગ્ય મદદ કરનાર મેળવી શકયો નહિ. 
21 તેથી યહોવા દેવે મનુષ્યને ગાઢ નિંદ્રામાં નાખ્યો. અને જયારે તે ઊંઘતો હતો ત્યારે તેના શરીરમાંથી એક પાંસળી કાઢીને તેની જગ્યાએ માંસ ભર્યું. 
22 યહોવા દેવે મનુષ્યની પાંસળીમાંથી સ્ત્રીની રચના કરી. અને તે સ્ત્રીને મનુષ્યની પાસે લાવ્યા. 
23 અને મનુષ્યે કહ્યું: 
“બરાબર માંરા જેવી એક વ્યકિત. 
તેના હાડકાં માંરા હાડકામાંથી 
અને તેનું માંસ માંરાં માંસમાંથી થયું છે. 
તેણી ‘નારી’ કહેવાશે, 
કારણ તેને નરમાંથી લેવાવામાં આવી છે.” 
24 આ જ કારણે પુરુષ પોતાના માંતાપિતાને છોડી જાય છે અને પોતાની પત્ની સાથે રહીને તે બંન્ને એક દેહ બની જાય છે. 
25 તે મનુષ્ય અને તેની પત્ની બન્ને નવસ્ત્રો હોવા છતાં શરમાંતાં નહોતા.