પશ્ચાતાપની હાકલ 
5
1 હે ઇસ્રાએલના વંશજો તમારા માટે હું દુ:ખનાં ગીતો ગાઉં છું તે સાંભળો, 
2 ઇસ્રાએલની વિશુદ્ધતા ભાંગી પડી છે. 
તે ફરીથી ઊભી થઇ શકશે નહિ; 
તેણે તેની પોતાની જ જમીનનો ત્યાગ કર્યો છે. 
અને તેને ઊભા થવા માટે મદદ કરે તેવું કોઇ નથી. 
3 યહોવા મારા માલિક કહે છે, 
“જે નગરમાંથી હજારો યોદ્ધાઓ કૂચ કરી બહાર નીકળતા હતા 
ત્યાં માત્ર સો જ રહ્યાં હશે. 
અને જ્યાંથી સો કૂચ કરીને નીકળ્યા હતા 
ત્યાં પાછા ફરેલા માત્ર દસ જ હશે.” 
યહોવા ઇસ્રાએલને પોતાની પાસે આવવા પ્રોત્સાહિત કરે છે 
4 ઇસ્રાએલના લોકોને યહોવા કહે છે: 
“મને શોધો, તો તમે જીવશો; 
5 પણ બેથેલની શોધ ન કરો, 
ને ગિલ્ગાલમાં ન જશો, 
ને બેર-શેબા ન જાઓ; 
કારણકે ગિલ્ગાલના લોકોને બંદીવાસમાં લઇ જવામાં આવશે 
અને બેથેલ અતિશય દુ:ખમાં આવી પડશે. 
6 યહોવાને શોધો, તો તમે જીવશો, 
તેમ નહિ કરો તો તે અગ્નિની જેમ યૂસુફના ઘરની આરપાર, પ્રસરી જશે. 
તે ભસ્મ કરી નાખશે અને બેથેલ પાસે તેને ઓલવવા માટે કોઇ નહિ હોય. 
7 હે દુષ્ટ લોકો, તમે ગરીબ અને પગતળે કચડાયેલા માટે ‘ન્યાય’ 
એક કડવી ગોળી બનાવી છે. 
સચ્ચાઇ એ તમારા માટે એક નિરર્થક શબ્દ છે. 
8 જે કૃત્તિકા સપ્તષિર્ અને મૃગશિરનો રચનાર છે, 
જે ગાઢ અંધકારને પ્રભાતમાં ફેરવી નાખે છે. 
અને દિવસને અંધારી રાતમાં ફેરવી નાખે છે, 
જે સાગરના જળને બોલાવીને વરસાદ તરીકે 
પૃથ્વી પર વરસાવે છે, તેનું નામ યહોવા છે.” 
ઇસ્રાએલીઓ દ્વારા કરાયેલાં દુષ્ટ કાર્યો 
9 અત્યંત શકિતશાળી વેગથી અને પૂર્ણ શકિતથી તે વિનાશકારક આક્રમણ સજેર્ છે. 
અને કિલ્લા તોડી પાડે છે. 
10 જે પ્રબોધકો ન્યાયાલયમાં અન્યાયનો સામનો કરે છે તે પ્રામાણિક ન્યાયાધીશોને અને જે પ્રબોધકો સત્ય બોલે છે 
તેનો તમે તિરસ્કાર કરો છો. 
11 તમે ગરીબોને પગ તળે કચડો છો 
અને તેમની પાસેથી અનાજ પડાવી લો છો, 
તેથી તમે ઘડેલા પથ્થરનાઁ જે ઘર બાંધ્યાં છે, 
તેમાં તમે રહેવા નહિ પામો. 
તમે રમણીય દ્રાક્ષાવાડીઓ રોપી છે, 
પણ તેનો દ્રાક્ષારસ તમે પીવા નહિ પામો; 
12 કારણકે તમારાં પાપો ઘણા છે અને ખૂબ ત્રાસદાયક છે. 
હું જાણું છું કે જે ન્યાયના માર્ગને અનુસરે છે, 
તેને હેરાન કરો છો, 
ને તમે લાંચ લો છો 
અને ગરીબને ન્યાયાલયમાં ન્યાયથી વંચિત રાખો છો. 
13 આથી, એ કારણે શાણા લોકો તમારી શિક્ષાના 
ભયંકર દિવસે યહોવા સમક્ષ ચૂપ રહેશે, 
કેમ કે આ સમય ભૂંડો છે. 
14 જીવવું હોય તો ભલાઇને શોધો, બૂરાઇને નહિ, 
જેથી તમે કહો છો તેમ, 
સૈન્યોનો દેવ યહોવા તમારી જોડે રહે. 
15 બૂરાઇને ધિક્કારો, ને ભલાઇ ઉપર પ્રેમ રાખો, 
અને ન્યાયાલયમાં ન્યાયની પ્રતિષ્ઠા કરો. 
તો કદાચ સૈન્યોનો દેવ યહોવા બાકી 
રહેલા લોકો ઉપર દયા કરે. 
ઘણોજ દુ:ખી સમય આવી રહ્યો છે 
16 આથી સૈન્યોનો યહોવા મારા માલિક કહે છે, 
“શેરીને ખૂણે ખૂણે શોક થશે, શેરીએ શેરીએ હાય! હાય! ના પોકારો સંભળાશે. 
લોકો ધંધાદારી રાજિયા ગાનારાઓ સાથે ખેડૂતોને 
પણ આક્રંદ કરવા બોલાવશે; 
17 દ્રાક્ષની બધી વાડીઓમાં શોક થશે. 
કારણ કે હું આ સર્વ જગ્યાઓથી પસાર થઇશ 
અને બધી વસ્તુનો નાશ કરીશ.” 
એમ યહોવ્ કહે છે. 
18 “તમે કહેશો, યહોવાનો દિવસ પાસે હોત તો કેવું સારું; 
દેવ સર્વ શત્રુઓથી અમારો બચાવ કરે. 
પણ તમને તે દિવસનો સ્પષ્ટ ખ્યાલ નથી. 
તે દિવસ પ્રકાશ અને સમૃદ્ધિ નહિ પરંતુ અંધકાર અને ન્યાય શાસન લાવશે. 
19 તે તો જેમ કોઇ માણસ સિંહથી ભાગી જાય; 
ને તેને રીંછ ભેટે, 
અથવા ઘરમાં જઇને ભીંતનો ટેકો લે, 
ને તેને સાપ કરડે તેવો. 
20 યહોવાનો દિવસ સાચે જ અંધકારભર્યો છે, 
પ્રકાશભર્યો નથી; એનો અંધકાર એવો ગાઢ છે કે જેમાં પ્રકાશનું એકે કિરણ નથી.” 
યહોવા ઇસ્રાએલીઓની ઉપાસનાનો અસ્વીકાર કરે છે 
21 યહોવા કહે છે: 
“હું ધિક્કારુ છું, હા, 
હું તમારા ઉત્સવોને ધિક્કારું છું, 
મને તમારી ધામિર્ક સભાઓ ગમતી નથી. 
22 હા, જો કે તમે તમારાં દહનાર્પણ 
અને ખાદ્યાર્પણ લાવશો. 
તોયે હું તેનો સ્વીકાર કરીશ નહિ. 
હું તમારા હૃષ્ટપુષ્ટ શાંત્યર્પણોની સામે પણ જોઇશ નહિ. 
23 તમારા ગીતો મારાથી દૂર કરો. 
મારા કાનમાં તે ઘોંઘાટ સમાન છે. 
તમારું વાદ્યસંગીત તમને ગમે તેટલું કર્ણપ્રિય લાગે 
પણ હું તે સાંભળીશ નહિ. 
24 પણ ભલે સચ્ચાઇને સદા વહેતા ઝરણાંની જેમ 
અને ન્યાય ને પાણીથી ભરપૂર નદીની જેમ વહેવા દો. 
25 હે ઇસ્રાએલના વંશજો, જ્યારે તમે ચાળીસ વર્ષ સુધી વન પ્રદેશમાં હતાં, 
શું તમે મને યજ્ઞબલિ અર્પણ કર્યા હતાં? 
મને બલિદાનો અર્પણ કર્યાં હતાં? 
26 તમે હંમેશા તમારા રાજા સિક્કૂથને અને તારારૂપી દેવ કીયૂનની મૂર્તિઓને માથે ચઢાવી છે. 
આ મૂર્તિઓને તમે જ બનાવેલી હતી. 
27 તેથી હું તમને દમસ્કની હદ પાર દૂર દેશવાટે મોકલી દઇશ.” 
આ વચનો તેના છે 
જેનું નામ સૈન્યોનો દેવ યહોવા છે.